હોળીની પરંપરા: એક ઐતિહાસિક અવલોકન
હોળી, ભારતના વૈભવશાળી ઉત્સવોમાંનો એક, જે વસંતના આગમન અને પ્રકૃતિના નવજીવનની સાથે સાથે ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, દેવ અને દાનવ વચ્ચેના સંઘર્ષની કથાઓને પણ સમાવે છે. આ ઉત્સવ સમગ્ર ભારતવર્ષમાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ ભારતીય સમુદાયો દ્વારા ઉજવાય છે.
પૌરાણિક પૃષ્ઠભૂમિ
હોળીની ઉત્પત્તિ પૌરાણિક કથાઓમાં છુપાયેલી છે. હિરણ્યકશિપુ, એક અહંકારી રાજા, જેણે દેવો સામે યુદ્ધ છેડ્યું અને પોતાને અજેય માન્યો. તેના પુત્ર પ્રહ્લાદની ભક્તિ અને નિષ્ઠા વિષ્ણુ પ્રત્યે હતી, જેને તેના પિતાએ સહન ન કરી શક્યો. હોલિકા, જેને આગમાં બળવાથી મુક્તિ હતી, તેણે પ્રહ્લાદને આગમાં બેસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તે જ ભસ્મ થઈ ગઈ, અને પ્રહ્લાદ અક્ષત રહ્યો. આ ઘટના અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક બની ગઈ.
કૃષ્ણ-રાધા અને હોળી
વ્રજભૂમિના કૃષ્ણ અને રાધાની પ્રેમગાથા પણ હોળીની પરંપરાઓમાં સંકલિત છે. કૃષ્ણની નીલી ત્વચા અને રાધાની ગોરી ત્વચા વચ્ચેના ભેદભાવને દૂર કરવા માટે, કૃષ્ણે રાધા પર રંગ ઉડાડ્યો, જેનાથી પ્રેમની એક નવી પરંપરાની શરૂઆત થઈ. આજે પણ, હોળીમાં લોકો એકબીજા પર રંગ ઉડાડીને આ પ્રેમની પરંપરાને જીવંત રાખે છે.
ઉત્સવની સાંજ
હોળીની સાંજે, હોલિકા દહન સાથે, લોકો પોતાની આંતરિક બુરાઈઓ અને ખોટા અહંકારને આગમાં સોંપી દે છે. અહંકાર ના સ્વરૂપમાં નારિયેળ હોમવાની એક પ્રથા પ્રચલિત છે સાથે સાથે જે પ્રસાદ લાવ્યા હોય છે તેને પણ હોળીમાં હોમ કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોળીના દિવસે નવા જન્મેલા બાળકને હોલિકાના દર્શન કરાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના પ્રદેશોમાં વાઈડ નામની પ્રથા પણ પ્રચલિત છે. આ દિવસે ઘરે ઉત્સવ મનાવવામાં આવે છે અને કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવે છે, ભોજન વગેરેની વ્યવસ્થા
કરવામાં આવે છે. આમ હોળીના દિવસે લોકો ઉત્સાહ અને ઉમંગથી આ તહેવારને ઉજવે છે,આ પ્રક્રિયા માનવીય ચેતનાને શુદ્ધ કરવાનો એક પ્રયાસ છે.
હોળીનો તહેવાર માત્ર રંગોની ઉજવણી નથી, પરંતુ એક સામાજિક સહકાર અને પ્રેમનો પ્રસંગ છે. આજના દિવસે ભારતના તમામ મંદિરોમાં હોલિકા ઉત્સવ ઉજવાય છે અને ભગવાનને સુંદર વાઘા પહેરવામા છે. અને મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે.