Ticker

10/recent/ticker-posts

વિપુલ અનુભવોનો સાર

મારી બાળપણની યાદો: 1996 થી લઈને હાઈસ્કૂલની યાત્રા 


હું વિપુલ 

નમસ્કાર મિત્રો હું અહીં થોડું મારા વિશે લખવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગામડામાં શિક્ષણની અપર્યાપ્તતા અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણના અભાવે મારા પિતાજીએ મને છઠ્ઠા ધોરણથી મારા કૌટુંબિક સંબંધીના ઘરે ભણવા મોકલ્યો.

૧૯૯૬થી લઈને મેં ધોરણ ૬ અને ૭નો અભ્યાસ સંબંધીના ઘરે રહીને કર્યો. એ સમયગાળો ખરેખર અદ્ભુત રહ્યો. ત્યાં જે શિક્ષિત પરિવાર મળ્યો — ફુવા જીવાભાઈ ડોડિયા, એક એવા શિક્ષક કે જેઓનું નામ સાંભળતાં જ વિદ્યાર્થીઓ ધ્રૂજી ઉઠે — તેમની નિયમિતતા, શિસ્તબદ્ધતા અને પ્રેરણાદાયી જીવનશૈલીમાંથી મને ઘણું શીખવા મળ્યું. મારી ભાષામાં શુદ્ધતા આવી અને શિક્ષણ પ્રત્યે મારી અભિરુચિ પણ જાગી.

આમ, ધોરણ ૧ થી ૫ સુધીનો અભ્યાસ મેં મારા ગામ ધણેજ (ગીર) માં કર્યો, અને ધોરણ ૬ તથા ૭ ફઈના ઘરે રહીને પૂર્ણ કર્યો. એ સમયમાં આજના બાળકોની જેમ મોબાઈલ તો નહોતાં જ, તેથી અમારો મોટાભાગનો સમય વાંચવા, લખવા તેમજ ગલીઓમાં રમવામાં જ પસાર થતો.

ગામડાની રમતો જેમ કે — લખોટી, કબીલા, બાટા, ગિલી-દંડો, નાગૉલ, ચોર-પોલીસ, કુંડાળું, આંધળો પાડો, ઓટી દાવ — અને ચોમાસું આવે ત્યારે ખુતામણી દાવ જેવી રમતોમાં મજા આવતી. મોસમ બદલાય, તેમ અમારી રમતો પણ બદલાતી.

ગલીઓમાં ફરવું, મમ્મી-પપ્પાનું ગુસ્સે થઈને અમને શોધવા આવવું — એ બધી યાદો આજે પણ તાજી છે, ક્યારેય ભુલાય એવી નથી.

અને હા, એ સમય સુધી ગામડાંમાં બ્લેક એન્ડ વાઇટ ટીવી જ હતાં. આખા ગામમાં ચાર-પાંચ ઘરોમાં ટીવી અને જેમાંથી એક ઘરે કલર ટીવી આવ્યું ત્યારે અમે બધા બાળકો ઉત્સુકતાથી ત્યાં જમાવટ કરતા. ઘરના માલિક કંટાળી ટીવી બંધ કરી દે, તો અમે નિરાશ થઈને પાછા ઘરે આવી જતા.

તે સમયે રામાયણ અને મહાભારત જેવી સીરિયલ જોવા માટે અમે તલપાપડ રહેતા. આખા ગામમાં ફરતાં, જ્યાં અમને બેસવા દે ત્યાં બેસી, એ એપિસોડ પૂરો થાઈ ત્યાં સુધી આંખ ઝબકાવવી પણ ગમતી નહોતી. આમ બ્લેક એન્ડ વાઇટ યુગમાંથી શરૂ થયેલું અમારું બાળપણ ધીરે ધીરે રંગીન દુનિયામાં પ્રવેશ્યું.

સાતમા ધોરણ પછી પિતાજીએ મને નજીકના તાલાળા તાલુકાની નૂતન હાઈસ્કૂલમાં દાખલ કર્યો, અને ત્યાંથી મારી હાઈસ્કૂલની યાત્રા શરૂ થઈ.


આશા છે કે આ પોસ્ટ તમને ગમશે. 🌿